﻿ગી.શા..
85.
મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. 
તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. 
તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. 
હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે. 
શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો? 
શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે. 
તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો. 
યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. 
જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું. 
કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. 
પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. 
હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. 
તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે. 
