﻿ગી.શા..
98.
ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. 
યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. 
તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે. 
હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ. 
વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ. 
તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો. 
સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો. 
નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો. 
યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે. 
