﻿માર્ક.
7.
ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા. 
અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં. 
કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા. 
બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. 
પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’” 
ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે. 
પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે. 
ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’” 
તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો. 
કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.” 
પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે. 
તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી, 
અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’” 
લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો. 
માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે. 
જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે. 
જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું. 
ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી? 
કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં. 
વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે. 
કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ, 
વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ. 
એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે. 
પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ. 
કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી. 
તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી. 
પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’” 
પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’. 
ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’” 
તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’” 
ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. 
લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી. 
ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું; 
અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’” 
તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો. 
ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું. 
લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે. 
